Mahamanav Shrikrushna
મહામાનવ શ્રી કૃષ્ણ
Pages 366
જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા, ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનાર સંખ્યાબંધ ગ્રંથો અનેક સદીઓથી લખાતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે. છેલ્લાં પચાસેક વરસમાં ગુજરાતના અનેક સમર્થ અને ખ્યાતનામ સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષ્ણજીવનનું નિરૂપણ કરનાર ચરિત્રગ્રંથો લખવા માંડ્યા છે. કમનસીબે આ ચરિત્રગ્રંથોમાં કૃષ્ણજીવન અંગેની પ્રાચીન પરંપરાઓની રજૂઆત કે અર્થઘટન કરવાને બદલે આ શબ્દસ્વામીઓએ પોતપોતાની કલ્પનાના ગુબ્બારા ઉડાવ્યા છે. પ્રાચીન પરંપરામાં ન હોય તેવાં કાલ્પનિક પ્રસંગો, પાત્રો અને સંવાદોનું ઉમેરણ કર્યું છે. આવા એક ચરિત્રલેખક કાલીયદમનનો પ્રસંગ સમજાવવા માટે કૃષ્ણને મદારી બનાવી દીધા છે.આવાં ઉમેરણોનું સાહિત્યિક મૂલ્ય તો જે હોય તે ખરું, પણ આવા નિરૂપણનાં કારણે પ્રાચીન પરંપરાઓ સ્પષ્ટ થવાને બદલે ઊલટી દૂષિત થઈ રહી છે.
હજારવરસ અગાઉના ગ્રંથોમાં વેરણછેરણ પથરાયેલી પરંપરાની કણિકાઓને એકઠી કરીને સુગ્રથિત સ્વરૂપે રજૂ કરવી અને તેમાંથી હિંદુઓના પરમ શ્રદ્ધાપુરુષ શ્રીકૃષ્ણના માનવસ્વરૂપની જે છબી ઊપસે તેને ઝીલવાનો એક નમ્ર પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.